બોટાદ: આજકાલ ઘણા ખેડુતો ખેતી સાથે પશુપાલન કરી રહ્યા છે, જે થકી તેઓ ગામડામાં રહીને પણ સારી આવક કરી શકે છે. જો ગાય-ભેંસની સારી નસલની પસંદગી કરવામાં આવે તો તેઓ વધુ ફેટવાળું દૂધ ઉત્પાદન કરે છે, જેનો ભાવ ડેરીમાં વધુ મળે છે. બોટાદના ઢસા ગામના એક પશુપાલકે આ રીતથી સારું ઉદાહરણ પેશ કર્યું છે, જ્યાં તેઓ પોતાનું જીવન એ રીતે સફળતાપૂર્વક જીવી રહ્યા છે.

જાફરાબાદી ભેંસ: એક ટંકે 12 લીટર, બે ટંકે 24 લીટર દૂધ
ઢસા ગામના 30 વર્ષીય સંજયભાઈ રાઠોડ છેલ્લા પાંચ વર્ષથી પશુપાલન વ્યવસાય સાથે જોડાયેલા છે. તેમની પાસે 15થી વધુ ગાય-ભેંસ છે, જેમાં એક વિશેષ જાફરાબાદી ભેંસ પણ છે. આ ભેંસની ખાસ વાત એ છે કે તે એક ટંકે 12 લીટર અને બે ટંક મળીને 24 લીટર દૂધ આપે છે. આ ભેંસનું બજાર મૂલ્ય આશરે 2 લાખ રૂપિયા છે.
સંજયભાઈએ જણાવ્યું: “આ ભેંસ 7થી 9 ફેટવાળું દૂધ ઉત્પાદન કરે છે, જે ડેરીમાં 85 રૂપિયા પ્રતિ લિટર વેચાય છે. આ રીતે દર મહિને હું 60,000 રૂપિયાની આવક કરું છું.”
ભેંસની સંભાળ કેવી રીતે રાખવામાં આવે છે?
આ ભેંસની સંભાળ ખાસ રીતે કરવામાં આવે છે. દિવસમાં બે વખત ખાણ અને દાણ આપવામાં આવે છે અને ચાર વખત નીરણ આપવામાં આવે છે. સંજયભાઈ દર મહિને પશુચિકિત્સકની મદદથી ભેંસની ચકાસણી અને રસીકરણ કરાવે છે, જેથી ભેંસ સંપૂર્ણ સ્વસ્થ રહે.
જાફરાબાદી ભેંસ: ઊંચી આવકનું રહસ્ય
જાફરાબાદી ભેંસનું દૂધ ફેટ અને ગુણવત્તામાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ દૂધ દ્વારા ડેરી પ્રોડક્ટ્સના ઉત્પાદનમાં પણ સારી કમાણી થાય છે. જો યોગ્ય સંભાળ અને વ્યવસ્થાપન કરવામાં આવે, તો પશુપાલનથી ખેડૂતોને ઝડપથી વધુ નફો મેળવી શકાય છે.